અખાત્રીજ

અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે બાર વર્ષ સુધી રહ્યું હતું . આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા. પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ અને પોતાનું મહત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, ચૌદસ તેરસ, અગિયારસ વગેરે પોતાનું મહત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમ્નું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. ચૌદસે અનંત ચૌદસનું મહત્વ બતાવતાં જણાવ્યું કે હું મોટી. દશમ વિજયા દશમીનું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. આમ બધી તિથિઓ પોતાનું મહત્વ જણાવતી ગઈ. પરંતુ ત્રીજ [તૃતીયા] એક બાજુએ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવી પૂછ્યું શા માટે રડે છે ? ત્યારે તેણે જણાવ્યું કે મારું તો કાંઈ મહત્વ જ નથી. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે રડીશ નહી વૈશાખ સુદ ત્રીજ તુ અક્ષયત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય. આમ એ દિવસથી અક્ષયતૃતીયાનું મહત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. અક્ષયતૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસે વણજોયું મુહૂર્ત કહેવાય. આ એ જ દિવસ છે કે જે દિવસે કલિયુગનો પ્રારંભ થયો હતો. ચારધામમાંનું એક ભગવાન બદરીનારાયણ મંદિરનાં દ્વાર પણ આ જ દિવસે ખૂલે છે. આખું વર્ષ ચરણકમળ વસ્ત્રાચ્છાદિત વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણાર્વિંદનાં દર્શન પણ આ જ દિવસે થાય છે. ક્ષત્રિયકુળના જમદગ્નિ ઋષિ અને રેણુકાદેવીના પંચમપુત્ર એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર રામનું અવતરણ પણ આ દિવસે થયું હતું. જે પાછળથી ‘પરશુરામ’ નામથી જગપ્રસિદ્ધ થયા.