ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. ગણેશજીના અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને ‘અષ્ટવિનાયક’ પણ કહે છે. 1. વક્રતુંડ 2. એકદંત 3. મહોદર 4. ગજાનન 5. લંબોધર 6. વિકટ 7. વિધ્નરાજ 8. ધૂમ્રવર્ણ શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા.