અજા એકાદશી (ખારેક)

અજા એકાદશી

પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે સત્યવ્રતી હતો. કર્મસંજોગે તે ભ્રષ્ટ થયો. સ્ત્રી તારામતી પુત્ર રોહિતને વેચી સત્યનું પાલન કરતો હતો. ચાંડાલને ત્યાં દાસ થઈ રહ્યો. આમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયાં. આવી સ્થિતિથી તે ત્રાસ પામી ગૌતમ મુનિ પાસે ગયો. તેમને બધી હકીકત કહી સંભળાવી. તેથી ગૌતમ મુનિએ તેને સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા જાણી શ્રાવણ માસની વદ અજા એકાદશી કરવા તેને કહ્યું. આથી અગિયારશ કરવાની સાચી રીત ઉપર મુજબ તેને બતાવી. જ્યારે શ્રાવણ વદ અજા એકાદશી આવી ત્યારે રાજાએ ગૌતમ મુનિના કહેવા મુજબ અગિયારશ સંપૂર્ણ શ્રદ્ધાથી કરી. તેથી તેનાં તમામ પાપનો નાશ થયો. આ વ્રતના પ્રભાવથી ઘણાં વર્ષો ભોગવવાનાં તેનાં દુઃખ દૂર થયાં. તેથી તેનો કસોટીકાળ પણ પૂરો થયો. એક દિવસ તેને તેની પત્ની તારામતી મળી. તેનો મરી ગયેલો પુત્ર રોહિત પણ જીવતો થઈ તેને મળ્યો. તે વખતે આકાશમાં ઢોલ-નગારાં વાગ્યાં. વળી, વ્રતના પ્રભાવથી તેનું ગયેલું રાજ્ય તેને પાછું મળ્યું. અંતે તે રાજા વ્રતના પ્રભાવે સપરિવાર વૈકુંઠમાં ગયો. અજા એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તે ગંગાજીમાં સ્નાન કરવા બરાબર પવિત્ર થાય છે. તેનાં બધાં જ પાપ બળી જાય છે. તે નિઃષ્પાપ થાય છે. આ કથાના શ્રવણથી કે પાઠ કરવાથી અથવા આ એકાદશી કરવાથી મનુષ્ય ખૂબ પુણ્યશાળી બને છે એટલું જ નહીં, તે પુણ્યવંત બનતા તે લક્ષ્મીવાન બની આ જગતનાં તમામ સુખ ભોગવવા શક્તિમાન પણ બને છે. તેને અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.